Wednesday, June 3, 2009

નાવા યુગ નુ ગ્યાન - સંયુક્તરાષ્ટ્રમાં સંબોધન

સુવર્ણજયંતિની ઉજવણી







પ્રિય આત્માઓ,

મને આનંદ છે કે આજે આપણે સમાજમાં માનવતત્ત્વને ફરી પાછું લાવવા માટેના ઉપાયો અંગે વિચારવા ભેગા થયા છીએ. હું જોઈ શકું છું કે દુનિયાનો આજનો સંકટકાળ "ઓળખ'' અંગેનો છે. માણસ આજે પોતાની ઓળખ ધંધાથી, ધર્મથી, વંશથી (Race) સંસ્કૃતિથી, દેશથી, ભાષાથી, પ્રદેશથી કે જાતિથી (Sex) આપે છે. ત્યાર પછી જ એ પોતાને માનવ તરીકે ઓળખાવે છે. સંકુચિત ઓળખ સરવાળે યુદ્ધ નોતરે છે. આપણે સૌ પ્રથમ તો બ્રહ્મતત્ત્વના એક અંશ છીએ અને ત્યાર બાદ માનવ છીએ. શિક્ષણ દ્વારા ઓળખમાં પાયાના ફેરફારો લાવવાની જરૂર છે. જે માત્ર સચોટ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જ શક્ય છે.

અહીં હું ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવા માગું છું. ધર્મ એ કેળાની છાલ છે જ્યારે આધ્યાત્મિકતા એ કેળાનો ગર. દરેક ધર્મના ત્રણ મુખ્ય પાસા છે. મૂલ્યો, પ્રતિકો અને રિવાજો. મૂલ્યો બધાજ ધર્મના સમાન છે જ્યારે પ્રતિકો અને રિવાજો જુદા પડે છે. આજે આપણે મૂલ્યો ભૂલી ચૂક્યા છીએ અને માત્ર પ્રતિકો અને રિવાજોને જ પકડી રાખ્યા છે. માત્ર આધ્યાત્મિકતાજ માનવ મૂલ્યોનું જતન કરી શકે છે. આપણી હતાશા દૂર કરી સુખ અને સંતોષ લાવી શકે છે.


સાચું શિક્ષણ એટલે જે દરેક વ્યક્તિમાં આખી દુનિયા માટે આત્મીયતાનો ભાવ જગાડે. વ્યક્તિ દુનિયાના દરેક ધર્મને પોતાના ધર્મની જેમજ સ્વીકાર - અંગીકાર કરતા શીખે અને અન્ય ધર્મોને વખોડયા વગર સ્વધર્મનું આચરણ કરે. એક કુટુંબના સભ્યો એકથી વધુ ધર્મનું પણ આચરણ કરી શકે. આજ ૨૧મી સદી માટેની વ્યૂહરચના હોવી જોઈએ.

આ યુગમાં જ્યારે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે ત્યારે આપણે માણસની ભાવના અને આધ્યાત્મિકતા પ્રત્યે બહુજ ઓછી કાળજી રાખી છે. નકારાત્મક ભાવનાઓથી કેવી રીતે છૂટકારો મેળવવો અને પોતાના મનને કેળવવા અંગે ધરે કે સ્કૂલમાં આપણે કાંઈ જ શીખવી શક્યા નથી.

શ્વાસની ક્રિયાઓ, પ્રાણાયમ, ધ્યાન અને યોગ, તણાવ અને નકારાત્મક ભાવનાઓને દૂર કરી, વર્તમાનમાં જીવવા માટે મદદરૂપ થઈ શકે છે. માણસ ક્યાં તો ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા કરે છે અથવા નકારાત્મકતાઓમાં ફસાઈ જાય છે. માત્ર આધ્યાત્મિકતા જ એને નકારાત્મકતાઓથી છૂટકારો આપી વર્તમાનમાં જીવવા માટે મદદ કરી શકે છે. મૌન સાથેની પ્રાર્થનાજ આપણા હૃદયમાંની અખૂટ શક્તિઓને આપણે માટે ઉપલબ્ધ કરાવી શકે છે.


તણાવમુક્ત મન અને રોગમુક્ત શરીર એ દરેક માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે. આ ભવ્ય સભા (U.N.) એક રૂપરેખા બનાવી, એવી યોજનાનો અમલ કરાવી શકે, જેમાં સમાજના જુદા જુદા સ્તરોએ જેવાકે, સ્કૂલ, કોલેજ અને વ્યક્તિ સુધાર કેન્દ્રોમાં આધ્યાત્મિક જ્ઞાનના શિક્ષણને દાખલ કરી શકાય. ત્યારેજ આપણે આપણા વાતાવરણમાંથી રોગો અને સંકટોને ધટાડી શકીશું.
ઉચિત આધ્યાત્મિક શિક્ષણના અભાવે અને દુનિયાનાં બધા ધર્મોની વ્યાપક અને સંપૂર્ણ સમજના અભાવે, દુનિયાના ધણાં ભાગોમાં ધર્માંધતા ધર કરી ગઈ છે. દુરાગ્રહ વગરની, સર્વગ્રાહી સમજ સાથેની આધ્યાત્મિકતા એ જ ૨૧મી સદીની પાયાની જરૂરિયાત છે.
આપણે માટે આ બાબત પર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે. માનવ વિકાસના બે સોપાન છે પ્રથમ છે ""હું કાંઈક છું'' થી ""હું કશું જ નથી'' અને બીજું છે ""હું કશું જ નથી'' થી ""હું જ સર્વસ્વ છું.'' આ જ્ઞાન જ આખી દુનિયામાં અન્યોની કાળજી અને અન્યોન્યની સાથે ભાગીદારીનો ભાવ લાવશે.


- શ્રી શ્રી રવિશંકર

No comments:

Post a Comment